મચ્છુકાંઠો ને મોરબી, વચમાં વાંકાનેર,
...ચંગા માડું નીપજે, પાણીહુંદો ફેર.
~~~~~~~~~~

ll મચ્છુ નદી સૌરાષ્ટ્ર પ્રદેશમાં વહેતી મહત્વની નદી છે. ૧૪૭ કિલોમીટર જેટલી લંબાઇ ધરાવતી આ નદી મોટે ભાગે રાજકોટ જિલ્લામાં પોતાનો પંથ કાપે છે. માર્ગમાં મચ્છુ નદીમાં બેણિયા, મસોરો, આસોઇ, ખારોડિયો, બેટી, લાવરિયો, અંધારી, મહા જેવી નાની નદીઓ ભળી જાય છે. આ નદીનો નિતાર પ્રદેશ(catchment area) લગભગ ૧,૯૦૦ ચોરસ કિલોમીટર જેટલો છે. મચ્છુ નદી જસદણ તાલુકાના દહીંસરા ગામ પાસેથી નીકળી રાજકોટ તાલુકા, વાંકાનેર તાલુકા,મોરબી તાલુકા થઇને અંતે માળિયા (મિ.) તાલુકાના હંજીયાસર ગામ પછી કચ્છના નાના રણમાં મળી જાય છે. એકવાર મહાદેવજી ક્ષીર સાગરને કિનારે પાર્વતીજીને અગત્યનો ઉપદેશ આપી રહ્યા હતા. એમની નજીકમાં એક મગર થોડા સમય પહેલાં જ એક જીવતા માણસને ગળી જઈ બેઠો હતો. શંકર ભગવાનનો ઉપદેશ સાંભળી કોઇક રીતે મગરના પેટમાંથી આ માણસ બહાર આવ્યો અને જ્ઞાની પુરુષ બન્યો. મગરમચ્છ દ્વારા બીજો જન્મ પામેલ આ માણસ મત્સ્યેન્દ્રનાથ તરીકે ઓળખાયા, જેમણે હઠયોગી તરીકે ખ્યાતિ મેળવી હઠયોગ પ્રદીપિકા નામનો ગ્રંથ પણ લખ્યો હતો. મત્સ્યેન્દ્રનાથના એક ગૌરવશાળી શિષ્ય ગોરખનાથએ ગુરુની પુત્રો પ્રત્યેની વધુ પડતી આસક્તિ હોઇ, બંને પુત્રોને નદીકિનારે મારી નાખ્યા. આ બંને પુત્રોને નદીનાં માછલાંનો અવતાર મળ્યો. આમ મચ્છ અને મત્સ્ય પરથી આ નદી મચ્છુ નદી તરીકે ઓળખાવા લાગી.
માંડવધાર (ડુંગર)ની ગાળીઓમાંથી ગળતું પાણી ભારે ગણાય છે. એને પીનાર માનવીના દેહ વજ્જર જેવા પણ હૈયાં મીણ જેવાં મુલાયમ હોય છે. અહીંનું ખડ ખાઈને ઉછરતા માલઢોરના આઉમાંથી અમી જેવા દૂધની શેડયું વછૂટે છે. મચ્છુ નદી માલધારીઓની માતા ગણાય છે. અહીં વસતા અઢારે વરણના માનવી પટાધર (શૂરવીર) પાકે છે. એવો એના પાણીનો ગુણ છે. માનવીનો અમુક પ્રકારનો સ્વભાવ એ પંથકનાં પાણી, પરિસ્થિતિ અને પ્રાદેશિક વાતાવરણમાંથી જ ઘડાય છે. મચ્છુ નદીને કિનારે આવેલ વાંકાનેર શબ્દ નગરના ભૌગોલીક સ્થાન પરથી આવ્યો છે. ગુજરાતીમાં વાંકાનેરનો અર્થ થાય છે વણાક અને નેર એટલે કે પાણીનો પ્રવાહ.
મોરબી નગરીના શિલ્પી વાઘજી ઠાકોર બીજાનો જન્મ ઈ. ૧૮૫૮માં થયો હતો. રાજકોટની રાજકુમાર કોલેજમાં શિક્ષણ પ્રાપ્ત કરી યુરોપનો પ્રવાસ પણ કર્યો. સૌરાષ્ટ્રના રજવાડામાં તેઓ યુરોપથી પહેલું વહેલું વિમાન ખરીદી લાવ્યા હતા. ઈ.૧૮૮૦માં મોરબીને રૂપરંગ બદલીને રળિયામણું બનવવાનું કામ તેમણે હાથમાં લીધું. જયપુરની રામગંજ બજાર જેવો ભવ્ય રસ્તો અને એ પ્રકારની બાંધણી તેણે મોરબીમાં ઊભી કરાવી. વઢવાણથી મોરબી સુધી પોતાના ખર્ચે રેલ્વે નાખાવાનું કામ શરૂ કર્યું. મચ્છુ નદી પર મોટો પુલ બાંધી ઈંગ્લેડથી લાવેલા કાંસાના બે ઘોડા અને બે સાંઢ પુલના બંને છેડે મૂકાવ્યા હતા. ઈંગ્લેડથી સમાન મંગાવી ઝૂલતો પુલ બંધાવ્યો. ગ્રીનટાવરનું ખાતમૂહુર્ત તેમના કાર્યકાળ દરમિયાન થયું હતું.
મોરબીના મહારાજાએ ૧૯૨૮માં ડેમ બાંધવાની વિચારણા કરી હતી. પરંતુ તે વખતે તત્કાલિન હાઈડ્રો એન્જીનીયર વિશ્વૈશ્વરૈયાએ મહારાજાને ચેતવ્યા હતા કે સૂચીત જગ્યાએ બંધાનારો ડેમ મોરબી માટે આશીર્વાદરૂપ નહી પરંતુ મોરબીના વિનાશનું કારણ બનશે. આથી સલાહ બાદ મહારાજાએ આ યોજના પડતી મુકી હતી. આઝાદ ગુજરાત સરકારે જ્યારે આ ડેમ બાંધવાનુ નક્કી કર્યુ ત્યારે વર્ષો પહેલાની ચેતવણી તો ભુલાઈ જ ગઈ હતી પરંતુ કેન્દ્ર સરકારે સૂચવેલી કેટલીક ટેકનીકલ બાબતોને પણ અવગણવામાં આવી હતી.
ગુજરાતમાં સૌથી ભયાનક અને કાયમ માટે યાદ રહી જાય એવું પૂર મોરબીમાં આવ્યું હતું. મચ્છુ ડેમ તુટવાના કારણે મોરબી, માળિયા અને આસપાસના ગામડાંઓના નામોનિશાન મટી ગયા હતા. આ પૂરની ખુવારી એટલી ભયંકર હતી કે કાચાપોચા હદયના લોકોના પાટીયા બેસી જાય. કારણ કે પૂર ઓસર્યા પછી માણસ અને પશુનાં મડદાં ઝાડ અને મકાનો પર લટકતાં જોવા મળ્યા હતા.૧૧ ઓગષ્ટ,૧૯૭૯ના રોજ ગુજરાતના ઈતિહાસની સૌથી ગૌઝારી પૈકીની એક હોનારત સર્જાઈ હતી.આ દિવસે મોરબીના ઉપરવાસમાં બંધાયેલો મચ્છુ ડેમ તુટ્યો હતો..જેણે મોરબીને તબાહ કરી નાંખ્યુ હતુ.ડેમ પાછળના જળાશયમાંથી નીકળીને મોરબી પર ફરી વળેલા પાણીએ કેટલાના જીવ લીધા તે આંકડો આજે પણ ચોક્કસ નથી.એવી અટકળો થાય છે કે આ હોનારતમાં ૨૫૦૦૦ જેટલા મોરબીવાસીઓએ જીવ ખોયા હતા. પરંતુ આજનું મોરબી એક આગળ પડતાં ઔદ્યોગિક શહેર તરીકે ગુજરાતમાં જાણીતું છે. ll ( આભાર - ઘનશ્યામભાઇ ઢોલરીયા)
0 comment:
Post a Comment